Top News

જેતપુરમાં “સામે કેમ જોવે છે“કહીને યુવાન પર હુમલોઃ લોખંડનો પાઈપ ફટકારી જડબું તોડયું છે.

બીજી વાર તો આ રોડ પરથી નીકળવું છે ને? ફરિયાદ કરી તો મજા નહીં આવેઃ હુમલાખોરની પિતા-પુત્રને ધમકી





જેતપુર શહેરમાં નજીવી બાબતે મારમારીના બનાવો સતત વધી રહ્યા છે. જેતપુરના ભોજાધાર વિસ્તારમાં મોટરસાયકલ પર જતા એક યુવાનને અટકાવીને “તું મારી સામે કેમ જોવે છે અને હોર્ન કેમ વગાડે છે? તેવું કહીને એક શખ્સે ગાળાગાળી કરી હતી. યુવાનના પિતા અને ભાઈ તેને બચાવવા આવતા, ઉશ્કેરાયેલા હુમલાખોરે લોખંડના પાઈપ વડે હુમલો કરી યુવાનનું જડબું તોડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં શિવ મંદિરની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજયગીરી હાકેમગીરી મેઘનાથી (ઉ.વ. ૪૮) નો સૌથી નાનો પુત્ર ભવિષ્ય (ઉ.વ. ૧૯) ગત તા. ૨૭/ ૦૬/૨૦૨૬ ના રોજ સાંજે પોણા આઠેક વાગ્યાના સુમારે પોતાના મિત્રનું મોટરસાયકલ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તે ભોજાધાર વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિરથી આગળ ટાવરના થાંભલા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં ઉભેલા મુન્નાભાઈ કાઠી (તા. જેતપુર) એ તેને રોક્યો હતો.

મુન્નાભાઈ કાઠીએ ભવિષ્યને કહ્યું કે, તું કેમ મારી સામે જોવે છે અને

દર વખતે અહીંથી નીકળે ત્યારે ગાડીના હોર્ન કેમ વગાડે છે?. ભવિષ્યએ વળતો જવાબ આપ્યો કે, હું તમારી સામે જોઉં એમાં તમને શું વાંધો છે? આ સાંભળીને મુન્નાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ભવિષ્યને જેમફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા.

ડઘાઈ ગયેલા ભવિષ્યએતેના પિતા સંજયગીરીને ફોન કરીને જાણ કરી હતી. સંજયગીરી અને તેમનો મોટો દીકરો વિશાલ તુરંત ત્યાં દોડી આવ્યા હતા. તેમણે મુન્નાભાઈને ગાળો બોલવાની ના પાડતા, મુન્નાભાઈએ ધમકી આપી કે, તમારો દીકરો અહીંથી નીકળે છે ત્યારે કાતર મારે છે, તેને કહી દો કે હવે અહીંથી નીકળે નહીં

નહિતર મજા નહીં આવે.  પિતા સંજયગીરીએ કહ્યું કે અમારે ઘરે જવાનો આ જ રસ્તો છે, એમ કહેતા જ મુન્નાભાઈ દોડીને ટાવર પાસે પડેલો લોખંડનો પાઈપ ઉપાડી લાવ્યા હતા અને ભવિષ્યના મોઢાના ડાબા ભાગે (જડબા પર) જોરથી ફટકારી દીધો હતો. આ હુમલામાં ભવિષ્યના મોઢામાંથી લોહીની ધાર થવા લાગી હતી. પિતા અને ભાઈએ વચ્ચે પડીને ભવિષ્યને વધુ મારથી બચાવ્યો હતો. હુમલાખોર મુન્નાભાઈ કાઠી જતાં-જતાં પિતા-પુત્રને ધમકી આપતો ગયો હતો કે, આજ તો જવા દઉં છું પણ તમારે બીજીવાર તો અહીં રોડ પરથી નીકળવું છે ને? જો કોઈ ફરિયાદ કરી તો મજા નહીં આવે.

ઈજાગ્રસ્ત ભવિષ્યને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના જડબાના ભાગે બે ટાંકા લેવા પડ્યા હતા. મોઢા પર પાટો બાંધેલો હોવાથી યુવાન બોલી શકવાની સ્થિતિમાં પણ નથી.

આ સમગ્ર મામલે ભવિષ્યના પિતા સંજયગીરી મેઘનાથીએ ચાંપરાજપુરના મુન્નાભાઈ કાઠી વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૨૯૯(બી), ૩૫૧(૨) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ધવલભાઈ નટવરલાલ ગાજીપરા ચલાવી રહ્યા છે.
Previous Post Next Post

Crime News

Sports