પીઠડ ગામના ખેડૂતોની વીજ સમસ્યા અંગે મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામના ખેડૂત આગેવાન રાહુલ વિનોદભાઈ વડારિયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પીઠડ ગામના ખેડૂતોની વીજ પુરવઠાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે સોનાલી એગ્રી ફીડર હેઠળ આવતા પીઠડ ગામના ખેડૂતોને છેલ્લા છ મહિનાથી ખેતી માટે નિયમિત અને પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો નથી. સરકારની જોગવાઈ મુજબ ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો મળવો જોઈએ, પરંતુ હાલ માત્ર 6 કલાક જેટલો જ વીજ પુરવઠો મળતા ખેડૂતોને પાકમાં સમયસર પાણી આપી શકાતું નથી અને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
રાહુલ વિનોદભાઈ વડારિયાએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ ખેડૂતો અને ગામના વડીલોની સમસ્યા રજૂ કરી તાત્કાલિક ધોરણે નિયમિત 10 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ફરી સર્જાય નહીં તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી.
પીઠડ ગામના ખેડૂતો અને ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર આ રજૂઆતને ધ્યાનમાં લઈ વહેલી તકે યોગ્ય નિર્ણય કરશે, જેથી ખેડૂતોને ખેતી માટે પૂરતો અને નિયમિત વીજ પુરવઠો મળી રહે.

Post a Comment