જેતપર ગામમાં ખેડૂતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં શરૂ કરવામાં આવેલી ઉપવાસ છાવણીને પીઠળ ગામના ખેડૂત ભાઈઓએ રૂબરૂ હાજર રહીને જોરદાર સમર્થન આપ્યું હતું. પીઠળ ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જેતપર ગામ પહોંચ્યા હતા અને “જય જવાન, જય કિસાન” ના ગગનભેદી નારાઓ સાથે ખેડૂતોની એકતા અને સંઘર્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પીઠળ ગામના સરપંચશ્રીએ જાહેર કર્યું હતું કે, જેતપર ગામના ખેડૂતોની લડત માત્ર એક ગામની લડત નથી, પરંતુ સમગ્ર ખેડૂત સમાજના હિત અને અધિકારો સાથે જોડાયેલો પ્રશ્ન છે. તેથી પીઠળ ગામના ખેડૂતો દરેક સંજોગોમાં જેતપર ગામના ખેડૂતોની સાથે ખભેખભા મિલાવીને ઊભા રહેશે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે પીઠળ ગામનો દરેક ખેડૂત અને ગામજનો આ લડતમાં સંપૂર્ણ સમર્થન અને સહયોગ આપવા માટે તૈયાર રહેશે.
સરપંચશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો દેશના અન્નદાતા છે અને ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવું સમાજ અને સરકાર બંનેની જવાબદારી છે. ખેડૂતોની એકતા, સંકલ્પ અને પરસ્પર સહકાર જ તેમની સૌથી મોટી તાકાત છે. આથી તમામ ખેડૂતોને એકજૂથ રહીને પોતાના હક્ક અને અધિકારો માટે શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે અવાજ ઉઠાવવાની જરૂર છે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બંને ગામના ખેડૂતો વચ્ચે ભાઈચારો, એકતા અને પરસ્પર સહકારની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. ખેડૂતો દ્વારા એક સ્વરે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, “ખેડૂત એકતા જ અમારી સૌથી મોટી શક્તિ છે અને ખેડૂતોના હિત માટેનો આ સંઘર્ષ અંત સુધી એકજૂથ રહીને લડવામાં આવશે.”

Post a Comment