Top News

મેલડી ધામ ગૌશાળા મુદ્દે વિવાદ વધુ ઘેરાયો; ટ્રસ્ટ પ્રમુખ મનોજભાઈ પનારાનું રાજીનામું

ખેડૂત આંદોલનને સમર્થન આપનાર સમાજસેવક મનોજભાઈ પનારાની ગૌશાળા પર ગ્રામ પંચાયતની કાર્યવાહી બાદ રાજીનામું, સમર્થકોમાં રોષ

મોરબી, તા. 07 જુલાઈ:


મોરબી તાલુકાના ધુણકોટ ગામ ખાતે આવેલી મેલડી ધામ ગૌશાળાને ધુણકોટ ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત ધારો-1993ની કલમ-105 હેઠળ ગૌચર જમીન પર થયેલા કથિત બાંધકામને લઈને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં 14 જુલાઈ સુધીમાં જગ્યા ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે, અન્યથા પંચાયત દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

મેલડી ધામ ગૌશાળાના પ્રમુખ તથા પાટીદાર સમાજના સમાજસેવક મનોજભાઈ પનારા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખુલ્લો ટેકો આપી રહ્યા હતા અને ખેડૂતોના હિતના પ્રશ્નો પર સતત અવાજ ઉઠાવતા રહ્યા હતા. તેમના સમર્થકોનો આક્ષેપ છે કે આ કારણે તેમના પર અનેક પ્રકારનું દબાણ કરવામાં આવતું હતું અને આંદોલનથી દૂર રહેવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

સમર્થકોનું કહેવું છે કે ખેડૂત આંદોલનને અપાયેલા સમર્થન બાદ હવે ગૌશાળાને નિશાન બનાવી તેને ગેરકાયદેસર જાહેર કરીને ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેઓ આ સમગ્ર ઘટનાક્રમને સમાજના પ્રશ્નો પર અવાજ ઉઠાવતા લોકોને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મનોજભાઈ પનારાએ મેલડી ધામ ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સામે આવેલા રાજીનામાના પત્રમાં તેમણે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે, જોકે તેમના સમર્થકોનું માનવું છે કે સતત સર્જાયેલા દબાણ અને વિવાદના વાતાવરણના કારણે તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

ગૌશાળા અને મનોજભાઈ પનારાને સમર્થન આપતા લોકોમાં આ કાર્યવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે ગૌસેવા અને સમાજસેવામાં વર્ષોથી કાર્યરત વ્યક્તિ સામે આ પ્રકારની કાર્યવાહી દુઃખદ છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

જોકે, મનોજભાઈ પનારાના સમર્થકોનો આક્ષેપ છે કે સમગ્ર ઘટનાક્રમ દ્વારા તેમને માનસિક રીતે દબાણમાં લાવવાનો અને સમાજના પ્રશ્નો પર અવાજ ઉઠાવતા લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 




Previous Post Next Post

Crime News

Sports