NEET પેપરલીક મુદ્દે જામનગરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોનો આક્રોશ ,લાલ બંગલા સર્કલથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી આવેદનપત્ર પાઠવ્યું
જામનગર, તા. 23 જુલાઈ 2026
NEET પેપરલીક કૌભાંડને લઈને દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જામનગરના જાગૃત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને યુવાનો દ્વારા આજે લાલ બંગલા સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પદયાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ “શિક્ષણ બચાવો – યુવાનોનું ભવિષ્ય બચાવો”, “પેપરલીક બંધ કરો” અને “ન્યાય તો થવો જ જોઈએ” જેવા સૂત્રોચ્ચાર કરી સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠાવી હતી.
ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નીચેની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી:
* NEET પેપરલીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
* કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે.
* પરીક્ષાના તણાવ અને પેપરલીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના પરિવારોને યોગ્ય સહાય અને ન્યાય આપવામાં આવે.
* ભવિષ્યમાં ભરતી અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપરલીક અટકાવવા સરકાર લેખિત બાંહેધરી આપે અને કડક વ્યવસ્થા અમલમાં મૂકે.
* જંતર-મંતર ખાતે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને કડક સજા મળવી જોઈએ અને દેશની શિક્ષણ વ્યવસ્થા પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકાર તાત્કાલિક અસરકારક પગલાં ભરે.(ફોટો કેપ્શન): જામનગરમાં લાલ બંગલા સર્કલથી કલેક્ટર કચેરી સુધી NEET પેપરલીક મુદ્દે વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા યોજાયેલી પદયાત્રાનો દૃશ્ય.


