અમરેલીમાં એક મહિનામાં ત્રીજી ઘટના: સિંહણે દાદાની નજર સામે જ 5 વર્ષના પૌત્રને ઝૂંટવીને ફાડી ખાધો, બે સિંહણ પૈકી એક સિંહણ પાંજરે પૂરાઈ

અમરેલી જિલ્લાના ખાંભા પથકના ચતુરી ગામે એક સિંહણે પાંચ વર્ષના બાળકને દાદા પાસેથી ઝૂંટવીને શિકાર કરી લીધો છે.


ગીર પંથક અને અમરેલીમાં માણસ પર સિંહના હુમલાઓની ઘટનાની શ્યાહી હજુ સૂકાઈ નથી. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહણના વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ખાંભા પથકના ચતુરી ગામે ગત રાત્રિ એક સિંહણે પાંચ વર્ષના બાળકને દાદા પાસેથી ઝૂંટવીને શિકાર કરી લીધો છે. ત્યારે એક મહિનામાં ત્રીજી ઘટના બનતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

દાદા પોતાના પાંચ વર્ષના પૌત્રને લઈને રાત્રિના સમય દરમિયાન દૂધ આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અંધકારમાં એક સિંહણ તક જોઈને બેસેલી હતી. તેણે અચાનક જ પાંચ વર્ષના બાળક પર હુમલો કરી દીધો હતો. દાદાને કંઈ સમજાય તે પહેલા જ સિંહણ બાળકને મોઢામાં દબોચીને જંગલમાં નાસી ગઈ હતી. દાદાએ પૌત્રને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ સાબિત થયો હતો.

બાળકને સિંહણ ઉપાડી ગયાની ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. લોકોએ લાકડીઓ લઈને બાળકની શોધખોળ હાથ ધરી હતી. વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા ગ્રામજનોએ લાકડીઓ વડે સિંહણના મોઢામાંથી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સિંહણ બાળકને લઈ ગઈ અને ગામથી એક કિમી દૂર બાળકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

Post a Comment

أحدث أقدم

Crime News

Sports